– એક એપ્રિલથી યાર્ડમાં ખરીદ – વેચાણની કામગીરી રાબેતા મુજબ ધમધમતી થશે
સુરેન્દ્રનગર, તા.૧૭
ચોટીલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્ચ એન્ડીંગ હોવાથી હિસાબી કામગીરી પુરી કરવાની હોઇ આગામી તા. ૨૮ થી ૩૧ માર્ચ સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
ચોટીલા માર્કેટ યાર્ડ ખાતે ૮૩ જેટલા ગામડાના ખેડુતો પોતાના કપાસ, મગફળી, ચણા, રાયડો જેવા પાકોનું વેચાણ કરવા આવતા હોય છે. પરંતુ માર્ચ એન્ડીંગની કામગીરી હોવાથી સૌરાષ્ટ્રના ઘણા માર્કેટીંગ યાર્ડો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તે મુજબ ચોટીલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ એક બેઠક યોજવામાં આવી હતી. તેમાં તા.૨૮ થી ૩૧ માર્ચ સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧ એપ્રિલથી માર્કેટીંગ યાર્ડમાં ખરીદ – વેચાણની કામગીરી રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેમ જણાવાયુ છે.